બાળવાર્તા

બાળવાર્તા ,

            પિન્ટુનો દેશપ્રેમ..... બાળવાર્તા...


  પિન્ટુના ઘરે મહેમાન આવેલા જે જતી વખતે દસ રૂપિયાની નોટ આપેલી ત્યારે એના પપ્પાએ કહેલું લે બેટા, આ રૂપિયા વાપરતો નહિ ,પણ એનો તું એક ગલ્લો લાવજે અને એ ગલ્લામાં તું રૂપિયા ભેગા કરજે. તું જ્યારે થોડો મોટો થઈશ ત્યારે એ ગલ્લો ફોડજે અને એ ગલ્લામાંથી જેટલા રૂપિયા નીકળે એની તું સાઈકલ લાવજે. આ વાત સાંભળીને તો પિન્ટુ ખુશ ખુશ થઈ ગયેલો.એ મોટા ભાગે પૈસાનો બચાવ કરતો.જ્યારે પણ એના પપ્પા એને વાપરવા માટે પૈસા આપતા ત્યારે એને મનમાં સાઈકલનું ચિત્ર દોડી આવતું.અને એ સાઈકલ ચલાવવાના સપનામાં ખોવાઈ જતો.પછી એ દોડીને હરખભેર એ પૈસા ગલ્લામાં નાખી આવતો.અને પછી દાદી પાસે જઈને કહેતો કે દાદી ,દાદી મેં પૈસા મારા ગલ્લામાં નાખ્યા છે.મારે સાઈકલ લાવવાની છે ને ! અને દાદી પિન્ટુના માથાપર વ્હાલનો હાથ ફેરવીને હા કહેતા...

    રોજ બરોજ પિન્ટુ ગલ્લામાં પૈસા નાખતો.અને ગલ્લાનું વજન પણ  રોજે રોજે વધતું જતું.આમ વર્ષો વીતી ગયા.એનો ગલ્લો આજે જ્યારે  તપાસ્યો તો એનું વજન ખાસુ વધી ગયેલું હતું. એટલે પિન્ટુએ વિચાર્યું કે આજે સાંજે જ્યારે પપ્પા ઓફિસેથી ઘરે આવે ત્યારે હું એમને કહીશ કે પપ્પા હવે મારો ગલ્લો હું ફોડું.અને પછી ગલ્લામાંથી ઘણા બધા પૈસા નીકળશે અને એની હું સાઈકલ લાવીશ.
પણ અચાનક દેશમાં રોગચાળો ફાટી નીકળે છે.ચારે બાજુ હાહાકાર મચી જાય છે.આ રોગ ચેપી હોવાના કારણે અનેક માણસો તેના ભોગ બની જાય છે.તેમજ આ રોગની કોઈ દવા ,રસી પણ ન હોવાના કારણે સૌ દેશ વાસીઓ ચિંતિત થવા લાગ્યા. સરકારે પણ અનેક નિર્ણયો લેવા લાગી. જેથી કરીને આ રોગ વધારે આગળ ન ફેલાય. આખરે સરકારે લોકડાઉન નો કપરો નિર્ણય કર્યો.જેથી દરેક દેશવાસીઓએ એકવીસ દિવસ ઘરથી બહાર નીકળવું નહિ.આમ, દેશની આર્થિક વ્યવસ્થા પર મોટી અસર પડી.ટી.વી પર પણ અનેકો જાહેરાતો આવવા લાગી. જેમાં અનેક મોટી મોટી હસ્તીઓ દેશની સેવા કરવા માટે આગળ આવતી હતી.આ જોઈને પિન્ટુના મનમાં પણ દેશની સેવા કરવાનો વિચાર સ્ફુર્યો.

   પિન્ટુ દોડતો પપ્પા પાસે ગયો અને કહ્યું 'પપ્પા, મારો ગલ્લો ફોડો.'પણ, પિન્ટુ સાંભળતો ખરા , તને ખબર નથી ,અત્યારે મહામારી રોગ ફાટી નીકળ્યો છે અને સરકારે કોઈ પણ વ્યક્તિને ઘરથી બહાર ન નીકળવાનો હુકમ કર્યો છે. તો પછી તારી સાઈકલ કઈ રીતે લેવા જઈશું? ' પિન્ટુએ પપ્પાની વાત કાને લીધી નહિ. અને તરત જ ટીવીની પાછળ પડેલો ગલ્લો લઈને જોરથી નીચે પટક્યો.અને બધા રૂપિયા બહાર નીકાળ્યા.પિન્ટુએ પપ્પાને પૈસા ભેગા કરવાનું કહ્યું. અને બધા રૂપિયા ગણવાનું કહ્યું. અને આશરે બે હજાર રૂપિયા ગલ્લામાંથી નીકળ્યા.ત્યારે પપ્પાએ  કહ્યું પણ તું શું કરવા માંગે છે એ તો બોલ? ત્યારે પિન્ટુ શાંતિથી બોલ્યો, પપ્પા,મારે આ પૈસા દાન કરવા છે.મારે પણ દેશની મદદ કરવી છે એટલે મેં નક્કી કર્યું છે કે મારે સાઈકલ નથી લાવવી. અને આ પૈસા મારે પંચાયતમાં જઈ જમા કરાવવા છે.પપ્પા આ વાત સાંભળી મનોમન ખૂબ ખુશ થયા. અને ખૂબ  ગર્વ લેવા લાગ્યા. 
   
   હા , બેટા.પપ્પાએ પંચાયતમાં કોલ કર્યો.અને બધી વિગતો જણાવી.ત્યાંના સભ્યએ આવી પિન્ટુ પાસેથી રકમ જમા કરી. અને પ્રોત્સાહન આપ્યું. સાથે પિન્ટુને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા.આ સમાચાર ટીવીમાં જોઈ પિન્ટુ ખૂબ ખુશ થયો. અને પપ્પાએ પણ પિન્ટુને શાબાશી આપી,અને કહ્યું... વાહ પિન્ટુ ! વાહ ! 
   
    સમય જતા રોગ નાબૂદ થયો.એક સવારે રૂમમાં નવી નકોર સાઈકલ જોઈ પિન્ટુ ખુશ ખુશ થઈ ગયો! 


- અંશ ખીમતવી...



 




જંગલમાં જમણવાર.....

એકવાર જંગલમાં સૌ પશું પક્ષીઓએ જમણવાર કરવાનું વિચાર્યું. એટલે એક દિવસ શિયાળને સૌ પશું પક્ષીઓને એકત્રિત કરવામાં માટે વનના રાજા દ્વારા કહેવડાવવામાં આવ્યું. રાજાની આજ્ઞા માનીને ચતુર શિયાળે સૌને સૂચના આપી દીધી હતી..

સવારે સૌ જંગલમાં પશુ પક્ષીઓ એકત્રિત થયાં. જેમાં વનના રાજા સિંહ દ્વારા સૌને સૂચિત કરવામાં આવ્યું કે આવતી કાલે જમણવાર રાખવામાં આવ્યો છે તો સૌ સમયસર ખીર જમવા પધારશો.... સભામાં જ સૌને પોત પોતાના કામ કાજ સોંપી દેવામાં આવી ગયા હતા.જેમાં બોડી ભેંસ , ભોળી ગાય ખીર પીરસવાનું કામ કાજ કરશે.તેમજ કાગડાભાઈ ઓ સફાઈનું કામ કરશે. આમ દરેકને કામ સોંપી અને સભા છૂટી પડી હતી...

સવાર પડતા જ સૌ પોત પોતાનાં કામમાં રસ પૂર્વક લાગી ગયા હતા. આજ તો આખા જંગલમાં આનંદ છવાઈ ગયો હતો.. સૌ મહેમાનો સજી ધજીને આવી ગયા હતા... બિલ્લી બેને મસ્ત શૂટ, બુટ પહેર્યો હતો.. ઝીરાફ ભાઈએ સરસ ઝભ્ભો પહેર્યો હતો. વાંદરા ભાઈએ પણ સરસ શર્ટ , ચડ્ડી પહેરી હતી. ચકલીબહેનો એ સરસ મજાની સાડી પહેરીને આવી હતી.આજ સૌ અદકા લાગતા હતા... આખું જંગલ આનંદ વિભોર થઈ ગયું હતું. અને ગીત ગાતું હતું.

સૌ પંગતમાં ગોઠવાઈ ગયા હતા. ત્યારબાદ ભોળી ગાય અને બોડી ભેસે ખીર પીરસવાનું શરૂ કર્યું. સૌ આનંદથી ખીર ખાવા લાગ્યાં.. આમ કરતા કરતા જમણવાર પૂરો થઈ ગયો હતો. પણ જેમાં એક એવી ઘટના સામે આવી કે જેનાથી જંગલનો રાજા ખૂબ જ ગુસ્સે ભરાયો હતો...અને ચતુર શિયાળ દ્વારા કહેવડાવવામાં આવ્યું કે આજે રાત્રે સૌને રાજાએ એકત્રિત થવાનું કહ્યું છે. રાત પડતા જ સૌ પશું પક્ષીઓ એકત્રિત થઈ ગયા હતા .સૌ એક બીજાને ગુપસુપ કરતા હતા કે વાત શું છે કેમ આમ રાજા આટલા ગુસ્સે ભરાયા છે ? બન્યું છે શુ ? પણ કોઈને કશી વાતની ખબર હતી નહિ કે ઘટના આખરે કઈ બની છે. આખરે જેની સૌને જાણવાની ઈચ્છા હતી એ વાત બહાર આવી જ ગઈ. રાજા ઉભા થઇને બોલ્યા કે આજે જે જમણવાર રાખવામાં આવ્યું હતો એમાં ક્લબલ કાબરોએ ખૂબ જ અન્નનો બગાડ કર્યો છે. અન્ન તો દેવતા છે એમનું અપમાન ન કરાય. અને ક્લબલ કાબરોએ ખૂબ જ મોટી ભૂલ કરી બેઠી છે. એટલે એમને સજા તો મળશે જ ! આ સાંભળી ને સૌ શોકાતુર થઈ ગયા. સભામાં શાંતિ છવાઈ ગઈ.ક્લબલ કાબરો પણ ચિંતિત હતી કે રાજા આપણને શું સજા આપશે. પણ હવે ક્લબલ કાબરોએ કરે શું ? આખરે રાજાએ જાહેર કરી દીધું કે આજ પછી ક્લબલ કાબરોએ વનમાં ફરકવું નહિ. રાજાનો આકરો નિર્ણય સાંભળતા જ ક્લબલ કાબરોના હોંશ ઉડી ગયા હતાં.સૌ પોતાના ભવિષ્ય નું શું થશે એની ચિંતામાં પડી ગયા હતા.. પણ હવે શું કરે ! આખરે એક વૃદ્ધ ક્લબલ કાબર હાથ જોડીને સૌ આગળ વિનંતી કરીને પોતાના જાત ભાઈઓની ભૂલ સ્વીકારી અને આજ પછી ક્યારેય આવી ભૂલ બીજી વાર નહિ થાય એની બાંહેધરી પણ આપી....

આખરે રાજાએ એકવાર એમને મોકો આપ્યો અને ફરી આવી ભૂલ કરતા નહિ.કહીને સૌ સભામાં માંથી વિખૂટાં થયા. સમય જતાં ફરી એકવાર જંગલમાં જમણવાર થયો અને આ વખતે સૌ અન્ન દેવતાનો બગાડ ન થાય એ રીતે સૌ એ આંનદ પૂર્વક જમણવાર પતાવ્યો....

- અંશ ખીમતવી






જાદુઈ પેન્સિલ......બાળવાર્તા
   હેપ્પીની આંખો મળી ને સ્વપ્ન જાગ્યું . સ્વપ્નમાં એક સુંદર પરી આવી. પરીને જોઈને હેપ્પી ખુશ ખુશ થઈ ગઈ. ને બોલી "પરીદીદી પરીદીદી આપનું નામ શું છે ?" "પરી બોલી, મારુ નામ મનપસંદ પરી." પરી ખૂબ પ્રસન્ન ચિતે બોલી ,"બેટા, બોલ તારે શુ જોઈએ છે ? તું જે માંગીશ એ હું આપીશ.હેપ્પી બોલી ,પરી દી મારે તો કઈ નથી જોઈતું મારી જોડે તો બધુંય છે. "છતાં પરી ખુશ થઈને એક જાદુઈ પેન્સિલ ભેટ આપી.
   "બેટા, આ પેન્સિલ જાદુઈ પેન્સિલ છે તું જે માંગીશ એ તને આપશે. પણ હા આ પેન્સિલનો ઉપયોગ હમેશા સદ કાર્ય માટે જ કરવો નહીં તો પેન્સિલ અલોપ થઈ જશે" હેપ્પી એ શાંતિ પૂર્વક પરીની વાતો સાંભળી અને કહ્યું જી પરી દીદી....
   એક દિવસ શાળામાં હડકાયું કૂતરું આવી ગયેલું. બધા બાળકો ડરી ગયેલા. એ કૂતરું ત્યાંથી હટવાનું નામ જ લેતું ન હતું અને શાળા છૂટવાનો પણ ટાઈમ થઈ ગયો હતો. બધાએ ઘણા પ્રયત્નો કર્યા પણ એ કૂતરું ત્યાંથી ગયુ નહિ. ત્યારે હેપ્પીને પોતાની જાદુઈ પેન્સિલ યાદ આવી ને બેગમાંથી કાઢી. પરીએ કહેલી વાત યાદ આવી કે તારે જે જોઈએ એ આ પેન્સિલ જોડે માગજે એટલે એ હાજર થઈ જશે. હેપ્પીએ એક જાદુઈ ધોકો માંગ્યો ને ધોકો હાજર! ધોકો હાજર થઈને બોલ્યો ,"હુકમ કરો ! હેપ્પી બોલી પેલા કૂતરાને અહીંથી ભગાડો.
   જાદુઈ ધોકો એ કૂતરા પર ફરી વળ્યો ને છેક જંગલ સુધી કૂતરાને તગેડી આવ્યો. અને પછી એ હેપ્પી જોડે આવી અલોપ થઈ ગયો. બધા છોકરાઓ ખુશ ખુશ થઈ ગયા. અને સૌ પોત પોતાના ઘેર ગયા.એવા તો અનેક કાર્યો આ જાદુઈ પેન્સિલથી કર્યા. એક દિવસ હેપ્પીને એક વૃદ્ધ કાકાની મશ્કરી કરવાનો વિચાર આવ્યો. એને પેન્સિલ જોડે ખંજવાળ આવે એવો પાવડર માંગ્યો. એટલે થોડીવારમાં જ પાવડર હાજર થઈ બોલ્યો,"જી હુકમ કરો,હેપ્પી બોલી પેલા કાકા પર ફરી વળ!
પાવડર તો કાકા પર જઈને ખંખેરાયો . ને થોડી વારમાં જ કાકા ને આખા શરીરે ખંજવાળ ઉપડી. કાકા તો હેરાન પરેશાન થઈ ગયા. આ બાજુ હેપ્પી અને એના મિત્રો મજા લે તા હતા.
   બસ એવાકમાં જ એના હાથમાં રહેલી જાદુઈ પેન્સિલ ગાયબ થઈ ગઈ. હેપ્પી તો આંખો ફાડીને જોતી જ રહી ગઈ. પછી એને મનપસંદ પરીએ કહેલી એ વાતો યાદ આવી. એને મનોમન કાકાની માફી માંગી પણ પેન્સિલ ગાયબ થયાનો એને ખુબ વસવસો રહ્યો.
અંશ ખીમતવી

 ચકાએ કર્યું બ્રશ

બાળકો આનંદ અને ઉલ્લાસથી શાળામાં રમતા અને ભણતા હતા .આ બધું લીમડા પર બેઠેલી ચકલીઓ જોતી હતી . તેઓએ પણ મનોમન શાળાએ જવાનું વિચાર્યું. અને બધી ચકલીઓએ કાલે જ મિટિંગ રાખવાનું વિચાર્યું.
સવાર પડી. સૂરજદાદા પણ આંખો ચોળી જાગી ગયા હતા. અનેક પંખીઓ મધુર ગીતો ગાતા સંભળાતા હતા. કેટલાક હવે દાણા ચણવા જવાની તૈયારીમાં હતા. અને આ બાજુ બધી ચકલીઓ ભેગી મળી. સૌ સૌ પોત પોતાના વિચારો રજુ કરવા લાગી. ત્યાં તો એક ભણેલા ગણેલા કાગડા ભાઈ આવ્યા. અને તેમને પૂછ્યું અરે, " ઓ બેનો શાની મિટિંગ માંડી છે ?. કાગડાભાઈને બધી વિગતે વાત કહી.
કાગડાભાઈ તો ભણેલા ગણેલા હતા. તેમણે તો બધું સમજાવ્યું. કે ભણવાથી શુ શુ લાભ થાય છે. નોકરી મળે , જીવન સુધરે અને જિંદગી સરળ બની રહે. બધું કહ્યું. આમ બધી ચકલીઓ એ કાગડાભાઈએ કહેલી વાત ગળે ઊંતારી.અને બધી જ ચકલીઓએ જૂન મહિનામાં પ્રવેશ લેવાનું વિચાર્યું. જૂન મહિનો આવી ગયો. બધી ચકલીઓ દફતર સાથે શાળામાં દાખલ થઈ ગઈ. બસ હવે તો રોજ ભણવાનું , ગાવાનું, રમવાનું ચાલુ. સૌને ખૂબ મજા આવતી હતી. સૌ ચકલીઓ ખૂબ ખુશ હતી.
એક દિવસની વાત છે. વર્ગખંડમાં બધી ચકલીઓ શાંતિથી ભણતી હતી.ત્યાં તો એક ચકલીના મોમાંથી દુર્ગંધ આવતી.રોજે બધી ચકલીઓ એને ચિડાવતી. પણ આ વખતે તો એ ચકલી ઉભી થઈ. ને ટીચરને ફરિયાદ કરતા કહ્યું ," મને બધી ચકલીઓ ચીડાવે છે . ત્યારે ટીચરને એનું કારણ સમજાઈ ગયું . ટીચરે કહ્યું કે બેટા, તું બ્રશ નથી કરતી ? ઘણું સમજાવતા માથું હલાવી ના , જવાબ આપ્યો. ટીચરે એને ખૂબ સમજાવ્યું . આખરે એને બ્રશ કરવાનું નક્કી કર્યું.
સવાર પડી . બધી ચકલીઓ શાળામાં ભણવા આવી. પાર્થના પૂરી થઈ. પછી બધી ચકલીઓવર્ગખંડ માં આવી ગઈ . ટીચર આવ્યા. હાજરી પૂરી. પછી બધી ચકલીઓને પ્રશ્ન પૂછતાં કહ્યું " , ચલો, કેટલી બ્રશ કરીને આવી છો ? બધી એ પોત પોતાની આંગળીઓ ઊંચી કરી. ત્યારે ટીચરની નજર તો પેલી ચકલી પર પડી. ને જોયું તો એની પણ આંગળી હવામાં લહેરતી હતી.ટીચર મનોમન ખૂબ ખુશ થયા.ને હળવુ સ્મિત આપ્યું. સૌ ચકલીઓ પણ ખુશ ખુશ થઈ ગઈ.ચી..ચી કરી ગીત ગાવા મંડી....


રોજ કરે જે બ્રશ , એના દાંત સાફ સાફ,
ન આવે દુર્ગંધ , એનું મો સાફ સાફ..






    આંગણે આવ્યા પંખીઓ.....


     પપ્પુ , મોંન્ટુના ઘરે આંગણામાં અનેક પંખીઓને ચણતાં જોઈ બોલ્યો ," મોંન્ટુ તારા ઘરે કેમ એટલા બધા પંખીઓ આવે છે ? બોલને ? મોંન્ટુ જરાક હસીને બોલ્યો ," સાંભળ પપ્પુ, હું રોજ સવારે મુઠી ભરીને આંગણામાં દાણા નાખું છું . એ જોઈ પંખીઓ રોજ દાણા ચણવા માટે મારા ઘરે આવે છે. પપ્પુ ઉતાવળો થઈ બોલ્યો હે મોંન્ટુ, જો મારા ઘરે હું આંગણે દાણા નાખું તો બધા પંખીઓ મારા ઘરે આવે ? હા સ તો આવે જ ને મોંન્ટુએ કહ્યું.
      પપ્પુ આ વાત સાંભળી મનોમન બહુ ખુશ થયો. એને વિચાર્યું કે હું કાલે સવારે મુઠી ભરીને દાણા નાખીશ. એટલે દાણા ચણવા માટે કેટલાય પંખીઓ મારા આંગણે આવશે. મારા આંગણામાં આવી ને એ ગીતો ગાશે. હું એમને સાંભળીશ. મજા આવી જશે. એવું વિચારીને એ રાતે સુઈ ગયો.
     સવાર થઈ. સૂરજ દાદા પણ ઉઠી ગયા. પપ્પુ પણ આજે વહેલો ઉઠી ગયો. નાહી ધોઈ ને તૈયાર થઈ ગયો હતો. આજે એના ચહેરા પર અનેરો આનંદ છવાયેલો હતો. ઘરના બધા સભ્યોને આજે આશ્ચર્ય લાગતું હતું કે આજ પપ્પુ શુ કરવા માંગે છે? પપ્પુએ મમ્મીને કહ્યું કે મમ્મી બાજરાનો ડબો ક્યાં છે ? મમ્મીએ બાજરાનો ડબો બતાવ્યો. અને પપ્પુએ ડબામાંથી મુઠી ભરીને બાજરો લીધો. બાજરો લઈ એને આંગણે દાણા નાખ્યા . એને દાણા નાખી પંખીઓની વાટ જોવા લાગ્યો. પણ બપોર સુધી એક પણ પંખી એના ઘરે દાણા ચણવા આવ્યું નહિ. એટલે પપ્પુ નારાજ થયો.
     પપ્પુ વીલા મોએ ફરી મોન્ટુના ઘરે ગયો. પપ્પુ ને જોઈ મોંન્ટુ બોલ્યો કેમ પપ્પુ આજે ચહેરો સાવ ફિકો પડી ગયેલો છે. પપ્પુએ જવાબ આપતા કહ્યુકે તારા કહેવા પ્રમાણે મેં સવારે દાણા નાખ્યા પણ એકપણ પંખી મારા ઘેર આવ્યું નહિ. કેમ ? મોંન્ટુ આશ્વાસન આપતા
કહ્યું કે ", નિરાશ ન થા, હજી તે એક જ દિવસ દાણા નાખ્યા છે એટલે કોઈ પંખીને જાણ ન હોય એટલે એ કઈ રીતે આવે. તું રોજ નાખીશ એટલે પંખીઓને ધીમે ધીમે ખબર પડશે એટલે આવશે.
     ત્યારબાદ તે દિવસથી પપ્પુ રોજ આંગણામાં દાણા નાખે છે. અને આંગણામાં કેટલાય પંખીઓ કલરવ કરતા કરતા દાણા ચણે છે. આ જોઈ પપ્પુ ખૂબ ખુશ થયો .
અંશ ખીમતવી...






 ચકાને લાગ્યો ચસ્કો મોબાઈલનો...

બાળવાર્તા..
ચકાને લાગ્યો ચસકો , મોબાઈલનો...
  ચકા ....એ ચકા ... કેટલીય બૂમો પાડી પણ કોઈએ સાંભળી નહિ. થોડી વાર પછી ચકાની મમ્મી ઘરની બહાર આવી અને બોલી ," શું છે ? ,કેમ એટલી બૂમો પાડો છો? ચકાને બોલાવવા આવેલા મિત્રો માથી હોલો બોલ્યો ,' એ તો અમે ચકાને રમવા માટે બોલાવા આવ્યા છીએ. ક્યાં છે ચકો ? ઘણા દિવસોથી એ રમવા આવતો નથી. 'ચકાની મમ્મી હળવા ગુસ્સાથી બોલી શુ કરું, 'એના પપ્પાએ જ્યારથી મોબાઈલ લાવી આપ્યો છે ત્યારથી બસ એના માં ડોકું રાખીને બેઠો છે. કોઈનું સાંભળતો જ નથી! બસ આખો દિવસ ગેમ ..ગેમ ને ગેમ..
ન ખાવામાં સરખું ખાય છે ન ભણવામાં ધ્યાન આપે ... ઘણો સમજાવ્યો પણ એ માનતો જ નથી. એના પપ્પા એ એકવાર માર્યો પણ ખરો પણ તોય એ એકનો બે ન થયો, શુ કરીએ હવે ..'
  મેં ઘણી વાર સમજાયું જો બેટા, આખો દિવસ મોબાઈલ લઈને ન બેસાય આંખો બગડી જાય. માથું દુખવા લાગે પછી આપણું શરીર સ્વસ્થ ના રહે.અને ભણવાનું બગડે એ અલગ પાછું..પણ એ માને ક્યાં ..સાવ ઘર કૂકડો થઈ ગયો છે !
  બધા મિત્રો તો આ સાંભળી રમવા ચાલતા થયા. ચાલો આ ચકલો તો નહીં જ આવે એને હાલ ખબર નહિ પડે પણ જ્યારે એનું શરીર બગડશે ને ત્યારે જ એ સીધો થશે.બસ એજ લાગનો છે આ ચકલો.
  થોડા સમય પછી જાણવા મળ્યું કે ચકાને આંખે ઝાંખપ આવે છે અને હા માથું પણ બહુ દુઃખે છે. એ શાળાએ પણ જઈ શકતો નથી. આજે એને દવાખાને લઈ જવાનો છે એવું મેં સાંભળ્યું છે, કાબરબેન બોલી. ચકાની મમ્મી અને પપ્પા બન્ને ચકાને દવાખાને લઈ ગયા. ડોકટરે પૂછ્યું તો એના પપ્પાએ જણાવ્યું કે એ બસ આખો દિવસ મોબાઈલ લઈને બેસી જાય છે.કોઈનું સાંભળતો નથી.ભણવામાં પણ સરખું ધ્યાન આપતો નથી અમને તો હવે ચિંતા થાય છે..
  ડોકટર સાહેબ બોલ્યા ," જો ચકા તારે સતત મોબાઈલમાં ધ્યાન ન અપાય. એના કારણે શરીર ,આંખો બગડવા લાગે અને દિવસે ને દિવસે વધારે ઝાંખપ આવે બેટા.
ડોકટરની વાત હવે ચકાને ગળે ઉતરી હોય એવું લાગતું હતું. ચકો હળવેકથી બોલ્યો ,મમ્મી હવે હું મોબાઈલ હાથમાં નહિ લઉ.અને હા મમ્મી ,હવે હું ભણવામાં પણ ધ્યાન આપીશ બસ .આ સાંભળી ને હવે ચકાની મમ્મી ને શાંતિનો હાશકરો થયો.
  રવિવારનો દિવસ હતો. બધા મિત્રો ચકાને રમવા માટે બોલાવા આવ્યા હતા. કાગડાભાઈ એ એક બૂમ પાડી.એવામાં તરત જ ચકો ઘરની બહાર આવ્યો અને બોલ્યો ચાલો મિત્રો , રમવા . આજે ચકો અને બધા મિત્રો ખુશ ખુશ થઈ ગયા......
અંશ ખીમતવી










No comments:

Post a Comment