બાળગીત

કીડીએ પહેર્યો જીન્સ...  બાળકાવ્ય 

કીડીએ પહેર્યો જીન્સ ભાઈ 
કીડીએ પહેર્યો જીન્સ ! 

એ તો લટક મટક ચાલે 
લોકો ટગર ટગર ભાળે 
એની પૂરી થઈ છે વિસ !
કીડીએ પહેર્યો જીન્સ  ........

એતો સેલ્ફી પાડતી જાય ,
ફોટા અપલોડ કરતી જાય 
કેવી  લાગતી સુંદર કવીન! 
કીડીએ પહેર્યો જીન્સ...

સામે જે મળે એને હેલો કરતી જાય
જીન્સમાં લાગુ કેવું બોલો  વાતો કહેતી જાય!
એને સામે મળ્યો પ્રિન્સ ! ભાઈ 
કીડીએ પહેર્યો જીન્સ......

કીડીએ પહેર્યો જીન્સ ભાઈ 
કીડીએ પહેર્યો જીન્સ ! 

- ansh khimatvi



બાળ અંક જોડકણાં


એકડો મારે ઠેકડો ...
બગડો કરે ઝઘડો..... 
એકડો મારે ઠેકડો......

તગડો ડીલે તગડો...
ચોગડો ..પૂંછડે બોડો....
એકડો મારે ઠેકડો.....

પાંચડો ખાય પેંડો
છગડો પહેરે ડગલો...
એકડો...મારે ઠેકડો....

સાતડો બને કાગડો...
આઠડો બને બાઘડો...
એકડો મારે ઠેકડો.....

નવડો આખો નવરો 
એકડે મીંડે દસ...મજા આવી મસ્ત

- ansh khimatvi

બાળગીત / - અંશ ખીમતવી

બટાકાભાઈના લગનમાં 
ઢોલ વાગે ઢમ ઢમ ......2
માથે મજાનો સાફો પહેર્યો સૂટમાં લાગે છે ટનાટન..

કાકડીબેન  નાચે છે 
અને પીપુડી વાગે પમ પમ...
બટાકાભાઈના લગનમાં 
ઢોલ વાગે ઢમ ઢમ.....


ગાજર ભાઈને મૂળા ભાઈ
બન્યા છે સખાયા ભાઈ 
મરચીબેન ખનખનીયુ વગાડે ખન...ખન...
બટાકા ભાઈના લગનમાં 
ઢોલ વાગે ઢમ ઢમ......

ડીસા ગામથી જાન જોડાણી
જાનૈયાઓની જોરદાર તૈયારી
ગાડી ચાલી છે  પમ પમ.....

બટાકાભાઈના લગનમાં 
ઢોલ વાગે ઢમ ઢમ ......2

- અંશ ખીમતવી
 







બાળગીત / સૂરજ ઉગે 

સોનેરી સવાર લઈ સૂરજ ઉગે
ઘોડાપર અસવાર થઈ સૂરજ ઉગે

અંધારાને ગાયબ કરી સૂરજ ઉગે
જાદુ મંતર છૂ કરી સવાર ઉગે 

પંખીઓના કલરવ સાથે સૂરજ ઉગે
મધુર  વાતાવરણ થઈ સૂરજ ઉગે

ભૂલકાઓની ઊંઘ ઉડાડી સૂરજ ઉગે
અજવાળા ઘર ઘર થઈ સૂરજ ઉગે  

નવી તાજગી લઈ સૂરજ ઉગે 
ચોમેર સૌંદર્ય પાથરી સૂરજ ઉગે 

- અંશ ખીમતવી




પ્રાણીઓમાં મોટા લાગેરે..હાથીડારે...હાથીડા...
ધમધમ કરતા ચાલેરે... હાથીડારે....હાથીડા...

સૂંઢમાં પાણી લાવેરે...હાથીડા રે હાથીડા...
ફુવારો ઉડાડી નાવેરે હાથીડા રે ..હાથીડા...

પીપળ પાન ભાવે રે...હાથીડા રે હાથીડા...
ગોળ ગોળ લાડું ખાય રે હાથીડા રે હાથીડા...

મોટી એની ફાંદ રે હાથીડા રે હાથીડા.....
સુપડા જેવા કાન રે હાથીડા રે હાથીડા...

લાંબા ધોળા દાંત રે હાથીડા રે હાથીડા...
થાંભલા જેવા પગ રે..હાથીડા રે હાથીડા...

- અંશ ખીમતવી







બાળગીત  /  હોડી આવી....

હોડી આવી હોડી આવી 
હોડી આવી રે........
હાલક ડોલક થતી હોડી આવી રે....

મામાના ઘેર જાવું છે
 પણ નદીને પેલે પાર છે...
 ઉંચા ઉંચા મોજા ઉછળે 
 પાણી અપરંપાર છે.....
 ઘર ઘર દિવા પ્રગટે દિવાળી આવી રે.....
           હોડી આવી...હોડી આવી...
           હોડી આવી રે......

નદી - પર્વત પથ્થર ને 
ઝાડવા કેટલા સુંદર છે.
માલમ જલદી હલેસા માર 
મનમાં ઝાઝો ઉમંગ છે. 
ઝરણાં લાવી , છીપલા લાવી  મામાના ઘેર લાવી રે..

હોડી આવી હોડી આવી 
હોડી આવી રે........
હાલક ડોલક થતી હોડી આવી રે....

- અંશ ખીમતવી 


હું ને ચકો / બાળગીત 

હું ને ચકો છાના માના 
વાડામાં પેઠા....
મીઠાં મીઠાં જામફળ ખાવા 
જામફળીપર ચડી બેઠા 
     હું ને ચકો છાના માના......

પીળાં પીળાં જામફળ જોઈ 
મોં મા પાણી આવ્યું,
ડાળી બહુ ઊંચી હતી કેમ કરીને 
ખાઉં ? 
હું ને ચકો બંને વિચાર કરવા બેઠા ! 
      હું ને ચકો છાના માના .....

પાતળી ડાળીઓ પર ચડી હાથ
જામફળે પહોંચાડ્યો,
જેવું જામફળ તોડ્યું પગ મારો છટક્યો!
હું ને ચકો બન્ને પડ્યા ધડીમ કરતાં હેઠા..

હું ને ચકો છાના માના 
વાડામાં પેઠા....
મીઠાં મીઠાં જામફળ ખાવા 
જામફળીપર ચડી બેઠા...
        - ansh khimatvi
     





બાળગીત  / - અંશ ખીમતવી

પેલા વાદળાં ઘનઘન  ઘોર રે....
મોર ટહુકા કરે...
મોર ટહુકા કરે... 

પેલી વીજળી ચમક ચમક ચમકે રે...
મોર ટહુકા કરે...
મોર ટહુકા કરે...

વરસાદ ઝરમર ઝરમર વરસે રે....
મોર ટહુકા કરે ...
મોર ટહુકા કરે....

પેલા દેડકા ડ્રાંઉં ડ્રાંઉં બોલે રે...
મોર ટહુકા કરે ..
મોર ટહુકા કરે...

મોર થનગન થનગન નાચે રે....
મોર ટહુકા કરે..
મોર ટહુકા કરે...

- અંશ ખીમતવી





બાળગીત/ ઉંદરમામા

ઉંદરમામા  ટોપી પહેરી 
મેળો જોવા જાય છે....
લાંબા ટૂંકા ડગલાં ભરી
ધોતી પહેરી જાય છે.
             ઉંદરમામા....


લાંબી લાંબી મૂછો 
વાત એની ના પૂછો 
મનમાં એ  હરખાતા 
મૂંછે તાવ દેતા જાય છે 
        ઉંદરમામા......


સામે જોઈ બિલાડી
 મનમાં  રાડ એક પાડી.
 પૂછડું ઊંચું નીચું કરી 
 પાછા ભાગતાં જાય છે.

ઉંદરમામા ટોપી પહેરી 
મેળો જોવા જાય છે....

- ansh khimatvi




ચાલો મોબાઈલ છોડી
ચોપડી હાથમાં લઈએ...
પરીઓની વાર્તા વાંચીને 
કલ્પનામાં  વિહરીએ.. ....
ચાલો મોબાઈલ છોડી 
ચોપડી હાથમાં લઈએ......


રીંછ એકલું ફરવા ચાલ્યું....
એક ઝાડ માથે ઝૂમખડું..
એક બિલાડી જાડી...
 ગીતો મજાના ગણગણીએ...
ચાલો મોબાઈલ છોડી..
ચોપડી હાથમાં લઈએ....

ચાંદા ,સૂરજના ચિત્રો ,
એમાં રંગ પુરીએ મિત્રો..
ચકલીબેન ચીચી બોલે
શબ્દો , મજાના વાંચીએ...

ચાલો મોબાઈલ છોડી..
ચોપડી હાથમાં લઈએ...

- અંશ ખીમતવી...






બાળગીત / નદી કિનારે

નદી કિનારે રમવા ચાલો 
માટીમાં  ભમવા ચાલો...

હું બનાવીશ  મંદિર 
તું બનાવજે મૂર્તિ 
હું વગાડીશ ઝાલર 
તું કરજે પૂજા 
ચાલ ઉષા 
ચાલ નિશા 
નદી કિનારે  રમવા ચાલો......
માટીમાં ભમવા ચાલો....  

હું બનાવીશ નાનકડું ઘર 
તું  બનાવજે  કૂવો - તળાવ 
પાણી બચાવશું ...
ઘર સાફ રાખશું ...
ચાલ આશા 
ચાલ  રાજા
નદી કિનારે રમવા રમવા ચાલો
માટીમાં ભમવા ચાલો......

- અંશ ખીમતવી




મને લીલી પીળી ગમતી છત્રી,
 મસ્ત મજાની લાગતી ઢીંગલી..
મારી બેનપણી જેવી છત્રી.....

મને ભીંજવા ન દેતી છત્રી...
 પોતે ઠંડીમાં આખી ભીંજાતી 
મારી બેનપણી જેવી છત્રી.....

દાદાજીના ગેંડા જેવી બનતી
બટન દબાવી એને બંધ  કરતી.....
મારી બેનપણી જેવી છત્રી.....

મને હસાવતી એ નચાવતી...
સંગ વરસાદમાં હંમેશા આવતી
મારી બેનપણી જેવી છત્રી.....

મને લીલી પીળી ગમતી છત્રી,
 મસ્ત મજાની લાગતી ઢીંગલી..
મારી બેનપણી જેવી છત્રી.....

- અંશ ખીમતવી








બાળગીત / એબીસીડી

એબીસીડી ,એબીસીડી
હારબંધ ચાલી  કીડી....

ઈ એફ જી ,એચ આઈ જે
બકરી બેન બોલે બે બે બે

કે એલ એમ ,એન ઓ પી
ઝટ ઝટ બંટી દૂધ પી...

ક્યુ,આર એસ, ટી યુ વી ,
દાંત કાઢ્યા ખી..ખી...ખી..

ડબલ્યુ એક્સ, વાય ઝેડ 
ખેડૂતભાઈ ખેતર ખેડ...

- અંશ ખીમતવી...



બાળગીત / ગુરુજી

મને પ્યારા લાગે મારા ગરુજી
મને વ્હાલા લાગે  મારા ગુરુજી 

હું તો વંદન કરું મારા ગુરુજી 
ચરણોમાં શીશ ઝુકાવું મારા ગુરુજી
મને  પ્યારા લાગે મારા ગુરુજી......

આંગળી પકડી ચલાવે મારા ગુરુજી
સાચું ખોટું પરખાવે મારા  ગુરુજી 

ગમતું ભણતર ભણાવે મારા ગુરુજી
જીવન ગણતર શિખાડે મારા ગુરુજી
મને પ્યારા  લાગે મારા ગુરુજી...

મને પ્યારા લાગે મારા ગરુજી
મને વ્હાલા લાગે  મારા ગુરુજી 

- અંશ ખીમતવી...





બાળગીત

પપ્પા ,તમે ચાવી મૂકો 
ના જાઓ ઘરની બહાર 
લાડકી દીકરીની વાત માનો
તમે થઈ જાઓ હોંશિયાર....
                    પપ્પા તમે....

છાપું પડ્યું , ચોપડી પડી
પડી ટેલબપર નોટબૂક
લઈને બેસો ચલો તમે 
મારી  સંગે હારો હાર ....
                   પપ્પા તમે...
                   
એકવીસ દિન ઘરમાં રહેશું
પપ્પા દેશની સંગાથ રહેશું
'કોરોના'ને માત આપીશું...
હવે થઈ જાઓ ખબરદાર !

પપ્પા ,તમે ચાવી મૂકો
ના જાઓ ઘરની બહાર 
લાડકી દીકરીની વાત માનો
તમે થઈ જાઓ હોંશિયાર..

- અંશ ખીમતવી...

*શુભ અવસર પર ગીત*

ઝંડો ફરકી રહ્યો છે કાશ્મીર રાજમાં 
બોલો બોલોને ભારતમાની જય હો..
બોલો બોલોને ભારતમાની જય હો...

ભારતના ભાગલાઓ પડ્યા 'તા,
કાશ્મીર ભારતમાં ન સમાતા ,
કલમ 370મી રચાતા... 
આર્ટિકલ પાંત્રીસમી લખાતા, 
મૂંઝવણ ઉભી થઇ તી ભારત રાજમાં...
બોલો બોલોને ભારતમાની જય હો..

કાયદાઓ અલગ રચાતા ,
દુશ્મનો નિયમોનું ઉલંઘન કરતા ,
યુધ્ધો રોજે રોજ મંડાતા, 
જવાનો બલિદાન આપતા...
આજે જવાબ દીધો છે ભારતના સપૂતે
બોલો બોલોને ભારતમાની જય હો...

તારીખ પાંચમી ઓગષ્ટ કહેવાય 
વાર સોમવાર કહેવાય , 
છાતી છપ્પનની કહેવાય, 
સાવજ ગુજરાતનો કહેવાય ,
આર્ટિકલ પાંત્રીસમી હંફાય
એને તોડી પાડ્યા છે વરસોનાં જુના કાયદા.....
બોલો બોલોને ભારતમાની જય હો...
બોલો બોલોને ભારતમાની જય હો...

- અંશ ખીમતવી...
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳




સપનું રે આવ્યું ,સપનું રે આવ્યું 
સપનું રે આવ્યું , સપનું રે આવ્યું...

ચાંદામામાં ના દેશમાં રે ગ્યો તો,
ધોળા, ધોળા પરદેશમાં રે ગ્યો તો 
ખોબો ભરીને મેં અજવાળું લાવ્યું !
સપનું રે આવ્યું, સપનું રે આવ્યું...

 પરીઓના ના પરદેશમાં ગ્યો તો ,
 પાંખો ફફડાવીને ઊડીને ગ્યો તો 
 ખોબો ભરીને મેં જાદુ રે લાવ્યું ! 
 સપનું રે આવ્યું, સપનું રે આવ્યું..

ટમટમતા તારલાના દેશમાં ગ્યો તો 
નાના નાના તારલા સંગે  રમતો ,
પકડા પકડી કરતાં સવાર જાગ્યું !
સપનું રે આવ્યું, સપનું રે આવ્યું  

સપનું રે આવ્યું ,સપનું રે આવ્યું 
સપનું રે આવ્યું , સપનું રે આવ્યું...

- અંશ ખીમતવી 





*બાળગીત*

મમ્મી મારે પાઈલોટ બનવું છે
મમ્મી મારે પાઈલોટ બનવું છે

પાઈલોટ બની હું વિમાન ઉડાવીશ
ઘરરર ઘરરર આકાશ ગજવીશ
મમ્મી મારે આકાશ પર તરવું છે 
મમ્મી મારે પાઈલોટ બનવું છે.

પાઈલોટ બની હું ચાંદામામાને મળીશ 
કાલી કાલી ભાષામાં વાતો કરીશ 
મમ્મી મારે તારો બની ચમકવું છે 
મમ્મી મારે પાઈલોટ બનવું છે. 

પાઈલોટ બની હું વાદળને મળીશ
વાદળને મળી એને બાથમાં ભરીશ 
મમ્મી મારે ઘણું ઘણું ભણવું છે.
મમ્મી મારે પાઈલોટ બનવું છે.

મમ્મી મારે પાઈલોટ બનવું છે
મમ્મી મારે પાઈલોટ બનવું છે

- અંશ ખીમતવી


મોમાં મારા ભપોમ ભપોમ ગાડી લાવ્યા..
મોમાં મારા ભપોમ ભપોમ ગાડી લાવ્યા..

લાવ્યા રે ... લાવ્યા રે...
લાવ્યા રે ... લાવ્યા રે....

મારા પપ્પા ટ્રીન ટ્રીન સાઈકલ લાવ્યાં..
મારા પપ્પા ટ્રીન ટ્રીન સાઈકલ લાવ્યા...

લાવ્યા રે ...લાવ્યા રે..
લાવ્યા રે ...લાવ્યા રે...

મારા કાકા ઘરરરર...વિમાન લાવ્યા 
મારા કાકા ઘરરરર...વિમાન લાવ્યા...

લાવ્યા રે....લાવ્યા રે.. . 
લાવ્યા રે....લાવ્યા રે....

મોમાં મારા ભપોમ ભપોમ ગાડી લાવ્યા..
મોમાં મારા ભપોમ ભપોમ ગાડી લાવ્યા..

- અંશ ખીમતવી

બાળગીત

મને ટમટમતું આભલું ગમતું રે...
મને ટમટમતું આભલું ગમતું રે...

એમા તારલાનો દેશ ,
એના ટમટમતા વેશ,
જાણે આભલું ગરબે ઘુમતું રે. ..
           મને ......

એમા ચાંદામામાનો દેશ ,
જાણે દૂધનો પરદેશ,
જાણે આભલું રૂપથી ખીલતું રે 

મને ટમટમતું આભલું ગમતું રે...
મને ટમટમતું આભલું ગમતું રે...

- અંશ ખીમતવી


અમે માટીમાં સૌ આજ રમતાં તા
અમે બાળકો ઘર ઘર આજ રમતાં તા ,

અમે શાળામાં સૌ રમતાં તા,
ટીપ ટીપ છાંટાઓ વરસતા તા ,
અમે નદી ,તળાવ બનાવતા તા
અમે માટીમાં સૌ આજ રમતાં તા ,

કોઈએ ઘર બનાવ્યું, રૂડું મંદિર બનાવ્યું,
કોઈ ગીતો ગાતા, કોઈ પૂજા કરતા
અમે વરસાદમાં સૌ આજ ઝૂમતાં તા
અમે માટીમાં સૌ આજ રમતાં તા

અમે માટીમાં સૌ આજ રમતાં તા
અમે બાળકો ઘર ઘર આજ રમતાં તા

- અંશ ખીમતવી
*બાળગીત*

 મેઘરાજા ,ઓ મેઘરાજા 
તમે રિસાણા છો કેમ ? 
ઓ મેઘરાજા ,ઓ મેઘરાજા ! 

આ ધરતી તરસે મરી રહી છે
આ ઝાડવા સુકાઈ રહ્યા છે ,
તમે આવતા નથી કેમ ? 
ઓ મેઘરાજા ,ઓ મેઘરાજા ! 

નાના બાળકો તમને મનાવે ,
માટીના ઢુંઢીયા બાવસી બનાવે 
ઘરે ઘરે જઈને ગીતો રે ગાવે 
તમે સાંભળતા નથી કેમ ? 
ઓ મેઘરાજા ,ઓ મેઘરાજા !

મેઘરાજા ,ઓ મેઘરાજા 
તમે રિસાણા છો કેમ ? 
ઓ મેઘરાજા ,ઓ મેઘરાજા ! 

- અંશ ખીમતવી


પેલો વનનો મોરલો ટેહુક ટેહુક ટેહુક ટેહુક
પેલો વનનો મોરલો ટેહુક ટેહુક ટેહુક ટેહુક

પેલી આંબલિયાની કોયલડી કૂ.. કૂ.. કૂ..કૂ
પેલી આંબલિયાની કોયલડી કૂ.. કૂ.. કૂ..કૂ

પેલું કૂવાનું પારેવું ઘૂ... ઘૂ..ઘૂ... ઘૂ. 
પેલું કૂવાનું પારેવું ઘૂ... ઘૂ..ઘૂ... ઘૂ. 

પેલી માળાની ચકલી ચી.. ચી..ચી..ચી..
પેલી માળાની ચકલી ચી.. ચી..ચી..ચી..

પેલો વનનો મોરલો ટેહુક ટેહુક ટેહુક ટેહુક
પેલો વનનો મોરલો ટેહુક ટેહુક ટેહુક ટેહુક

- અંશ ખીમતવી
*બાળગીત*

મેહુલિયા રે મેહુલિયા ...
વરસો ઝરમર ઝરમર રે....
વરસો ઝરમર ઝરમર રે...

વીજળીયું રે વીજળીયું ..
ચમકો ચમક ચમક રે ..
ચમકો ચમક ચમક રે.....
મેહુલિયા......

પવનીયા રે પવનીયા ...
ફરકો ફરક ફરક રે.....
ફરકો ફરક ફરક રે.... 

બાલુડાં રે બાલુડાં ...
કરો છબછબિયાંરે....
કરો છબછબિયાંરે....

મેહુલિયા રે મેહુલિયા ...
વરસો ઝરમર ઝરમર રે....
વરસો ઝરમર ઝરમર રે...

-અંશ ખીમતવી



*બાળ જોડકણાં*

વર્ષારાણી વર્ષારાણી 
ઝટ ઝટ લાવો પાણી તાણી 
ધરતી આખી સુકાઈ ગઈ છે
પાણી માટે વલખી રહી છે 
ઝાડવાઓની સભા મળી છે
આપણામાં શી ઉણપ રહી છે ? 
આપણી વસ્તી ઘટી રહી છે.
માનવો સૌ તમે વૃક્ષો વાવો
વૃક્ષો વાવોને વરસાદ લાવો 
માનવે માનવે સૌએ વૃક્ષો વાવ્યા 
સૂરજદાદાએ ગરમી વધારી 
સમુંદરના પાણી વરાળ થયા 
વરાળના તો વાદળાં બંધાણા
આકાશમાં કાળા ઘનઘોર છવાણા
વીજળીના ભડાકા સંભળાણાં
ધોધમાર મેઘરાજા પધાર્યા 
બાળકો સૌ રાજી થયાં ....

- અંશ ખીમતવી




*બાળગીત*

વાદળાં ઊડતાં ઊડતાં આવે
વાદળાં કાળાં ડિબાંગ આવે 

મોરલા ટેહૂક ટેહૂક પુકારે
વાદળાં ગર્જના કરતાં આવે 

વાદળાં ધોધમાર વરસાદ લાવે 
મોરલા કળા કરીને નાચે ...

ધરતી લીલી રે ચૂંદડી ઓઢે 
ખેડૂત આનંદથી હરખાય ..

વાદળાં ઊડતાં ઊડતાં આવે
વાદળાં  કાળા ડિબાંગ આવે 

- અંશ ખીમતવી





પેલા પેલા પેલા પેલા ....
પેલા વનનો મોરલો મને 
નાચતા શીખવાડે 

પેલી પેલી પેલી પેલી ...
પેલી આંબલિયાની કોયલ મને
ગાતા શીખવાડે......

પેલા પેલા પેલા પેલા 
પેલા ગામના દાદા મને
વાર્તા શીખવાડે. ..

પેલી પેલી પેલી પેલી
આકાશની વાદળી મને
વરસતા શીખવાડે....

પેલા પેલા પેલા પેલા 
શાળાના ગુરુજીઓ મને
ભણતા શીખવાડે...

- અંશ ખીમતવી



મા મને નાનો કનૈયો બનાવ ,
મુગટ પહેરાવીને મોરપીંછ લગાવ

કાને રે કુંડળ ને ગળામાં હાર
ખોળે રે બેસાડી માખણ ખવડાવ
મા મને નાનો કનૈયો બનાવ ...

પીળું પીતાંબર , ને પગમા ઝાંઝર
રૂડી રંગીલી મને બંસરી અપાવ
મા મને નાનો કનૈયો બનાવ ....

પૂનમની અજવાળી રાતમાં
યમુનાના તીરે રાસ રચાવ....
મા મને નાનો કનૈયો બનાવ....

- અંશ ખીમતવી





પક્ષીઓ ક્લબલ કરતા સવાર પડી
કૂકડો કુકડે કુક બોલતા સવાર પડી
મંદિર ઝાલર વાગતા સવાર પડી
સૂરજ દાદા જાગતા સવાર પડી
અંધારા ભાગતા સવાર પડી
વૃક્ષો બધા જાગતા સવાર પડી
ઘમ્મર વલોણા કરતા સવાર પડી
રસોડે વાસણ ખખડતા સવાર પડી
ખેડૂતો ખેતરે જાતાં સવાર પડી
ભૂલકાં કીકીયારી કરતા સવાર પડી
સોનાનો સૂરજ ઉગતા સવાર પડી

- અંશ ખીમતવી





*બાળગીત*

બાગના પતંગિયા આવોને વાત કહું
કાન સરવા કરોને એક વાત કહું
કે શાળા ખુલી ગઈ છે.
કે શાળા ખુલી ગઈ છે.

ઝાડ ના વાંદરાભાઈ આવોને વાત કહું
કાન સરવા કરોને એક વાત કહું
કે શાળા ખુલી ગઈ છે.
કે શાળા ખુલી ગઈ છે.

ડુંગરના સસલાભાઈ આવોને વાત કહું
કાન સરવા કરોને એક વાત કહું
કે શાળા ખુલી ગઈ છે.
કે શાળા ખુલી ગઈ છે.

ભાઈઓ અહીંયા આવોને વાત કહું
બહેનો અહીંયા આવોને વાત કહું
કાન સરવા કરોને એક વાત કહું
કે શાળા ખુલી ગઈ છે
કે શાળા ખુલી ગઈ છે

- અંશ ખીમતવી 




*બાળગીત*

ખિસકોલી ઝાડે ઝાડે રમે 
મને જોવાની મજા પડે !
નટખટ ખિસકોલી...... 2

એ તો ઉંચે રે ડાળીએ ચડે 
એ તો કટ કટ કટ કરે 
મને સાંભળવાની મજા પડે 
નટખટ ખિસકોલી.....2

એ આમને તેમ દોડે 
કટકો આપું તો ખાવા આવે 
મને ખવડાવવાની મજા પડે 
નટખટ ખિસકોલી.. 

-અંશ ખીમતવી..
🐿🐿🐿🐿🐿🐿




*બાળગીત*

મસ્ત મજાનું ,બેની મસ્ત મજાનું
ફૂલ મને ગમે બેની મસ્ત મજાનું

ચંપા કેરું ફૂલ , કેરણ કેરું ફૂલ
ગુલાબ હું સૂંઘુ બેની મસ્ત મજાનું....
મસ્ત મજાનું , બેની મસ્ત મજાનું
ફૂલ મને ગમે બેની મસ્ત મજાનું......

ગલગોટા કેરું ફૂલ , મોગરા કેરું ફૂલ
કમળ હું સૂંઘુ બેની મસ્ત મજાનું
મસ્ત મજાનું , બેની મસ્ત મજાનું
ફૂલ મને ગમે બેની મસ્ત મજાનું..

મસ્ત મજાનું, બેની મસ્ત મજાનું
ફૂલ મને ગમે બેની મસ્ત મજાનું....

- અંશ ખીમતવી






નવા જમાનાના વાંદરાભાઈ.
જીન્સ ટીશર્ટ માં પડે કેવો વાંદરા ભાઈ નો વટ 
નવા જમાનામાં....
નવા જમાનામાં...

માથે ટોપી પહેરી છે ને આંખે ચશ્મા લગાવ્યા છે ,
હાથે ઘડિયાળ પહેરી ને ચાલે પટ પટ 
નવા જમાનામાં ...
નવા જમાનામાં....

પગમાં બુટ કાળા ,વાંદરાભાઈ શરમાયા 
સુંદર મજાના લાગે, વાંદરાભાઈ નટખટ 

જીન્સ ટીશર્ટ માં પડે કેવો વાંદરા ભાઈ નો વટ 
નવા જમાનામાં....
નવા જમાનામાં...

- અંશ ખીમતવી






એક પાઠ જીવનનો શીખીએ..
બાળકો નિત્યક્રમ જાળવીએ..

વહેલા સૂઈને ,વહેલા ઉઠીએ,
ધરતીમાતાના ને નમીએ ,
એક પાઠ જીવનનો શીખીએ.

બ્રશ કરીને, મો સ્વચ્છ ધોઇએ,
પછી નાહી ધોઈ તાજા થઈએ .
તાજું ભોજન નિત જમીએ ,
સમયસર શાળાએ જઈએ.
એક પાઠ જીવનનો શીખીએ....

સરસ્વતી દેવીની પ્રાર્થના કરીને,
ભણવામાં મશગૂલ થઈએ....
નિશાળેથી છૂટીને , વડીલોને નમીએ...
એક પાઠ જીવનનો શીખીએ....

વાળું સમયસર નિત કરીને ,
દાદાજીની વાતો સાંભળીએ,
વહેલા સૂઈને , વહેલા ઉઠીએ..

એક પાઠ જીવનનો શીખીએ..
બાળકો નિત્યક્રમ જાળવીએ...

- અંશ ખીમતવી..











🌝
મને પ્રશ્નો મનમાં એટલા થાય ,
બસ પૂછ્યા કરું ,બસ પૂછ્યા કરું ...

મને તારલા જોઈને મનમાં થાય
કેમ ચમક્યા કરે, કેમ ચમક્યા કરે ?

મને ચાંદલાને જોઈને મનમાં થાય ,
પ્રકાશ ક્યાંથી લાવ્યા કરે, લાવ્યા કરે?

મને રાતને જોઈને મનમાં થાય ,
રંગ કાળો ક્યાંથી પૂર્યા કરે ,પૂર્યા કરે ?

મને વાદળાં જોઈને મનમાં થાય ,
ક્યાં ઊડ્યા કરે , ક્યાં ઊડ્યા કરે ?

મને પ્રશ્નો મનમાં એટલા થાય ,
બસ પૂછ્યા કરું ,બસ પૂછ્યા કરું ...

- અંશ ખીમતવી










પેલી પરીઓના દેશમાં જાવું છે
મારે જાવું છે...
પેલી પરીઓના દેશમાં જાવું છે.
મારે જાવું છે..

એની પાંખોથી ઉંચે ઊડવું છે
મારે ઊડવું છે...
એની છડીથી જાદુ શીખવું છે...
મારે શીખવું છે...
પેલી પરીઓના...

ચોકલેટની દુનિયામાં,
બરફની દુનિયામાં,
ફરવું છે મારે, ફરવું છે...

- અંશ ખીમતવી











પેલું પારેવડું.....
પેલું પારેવડું. ..

એની નમણી નમણી આંખ
એની સુંદર મજાની પાંખ
મને ગમતું રે...
પેલું પારેવડું....2

એતો પવન સરીખું ઊડે
સંદેશો લઈને પહોંચે.....
આંગણે ચણતું રે....
પેલું પારેવડું.....2

એ તો ઘૂ ઘૂ બોલે...
કેવું ગોળ ગોળ ફરે
હૈયે વસ્યું રે .....

પેલું પારેવડું....
પેલું પારેવડું...

-અંશ ખીમતવી














આંગણે થોડા દાણા નાખ ,ચકલી આવશે,
ઠીકરામાં પાણી આપ ,ચકલી આવશે.

તારા હાથે માળો બનાવ, ચકલી આવશે
પંખા ધીમા ધીમા હાંક ,ચકલી આવશે.

બાળકોને આંગણે રમાડ ,ચકલી આવશે,
ચકલી સંગે પરિચય કરાવ, ચકલી આવશે.

ભીંતે ફરી છબી લગાવ ,ચકલી આવશે,
કાચના પડદા દૂર હટાવ, ચકલી આવશે.

અંશ કહે છે વાત સાંભળ ,ચકલી આવશે
પક્ષીઓ પ્રત્યે ભાવ રાખ ,ચકલી આવશે .

- અંશ ખીમતવી












આજ પ્રાણીઓ સૌ ભેગા થયા છે
આજ બચ્ચાઓ સૌ રાજી થયા છે.
સૌ નાત જાત આજ ભૂલી ગયા છે .


પેલું વાંદરાનું બચ્ચું નાચે છે
વાઘનું બચ્ચું તાલ આપે છે.
ભૂંડનું બચ્ચું મંજીરા વગાડે છે
આજ પ્રાણીઓ સૌ ભેગા થયા છે
આજ બચ્ચાઓ સૌ રાજી થયા છે

પેલું સિંહનું બચ્ચું સિતાર વગાડે છે,
પેલું ઝીબ્રાનું બચ્ચું શરણાઈ વગાડે છે
પેલું મદનિયું ઠુમકા મારે છે....

આજ પ્રાણીઓ સૌ ભેગા થયા છે,
આજ બચ્ચાઓ સૌ રાજી થયા છે.
સૌ નાત જાત આજ ભૂલી ગયા છે .

- અંશ ખીમતવી 




બાળગીત






વેકેશનમાં મામાના ઘેર જઈશું રે
મજા પડશે ભાઈ
મજા પડશે....!
મામાના છોરા સાથે રમશું રે
મજા પડશે ભાઈ
મજા પડશે !

મામા ને મામી ને મળશું રે...
મજા પડશે ભાઈ
મજા પડશે !
નાના,નાની ની સેવા કરશું રે
મજા પડશે રે ભાઈ
મજા પડશે !

પરીઓની કથા સાંભળશું રે
મજા પડશે રે ભાઈ
મજા પડશે !
વેકેશનમાં મામાના ઘેર જઈશું રે
મજા પડશે ભાઈ
મજા પડશે....!

- અંશ ખીમતવી










ગમે ગમે રે મને ગમે છે ..
પીળી કેરી ખાવી,
એની ગોટલી ચૂસવી
મીઠો જ્યુસ પીવો
ગમે છે મને ગમે છે....

લાલ બોર ખાવા ,
પીળા કેળા ખાવા
મીઠા સફરજન ખાવા
મીઠા ચીકુ ખાવા
ગમે છે મને ગમે છે....

ખાટા ફળો ખાવા
મીઠા ફળો ખાવા
રહેવા તાજા માજા
સદા સાજા સાજા

ગમે ગમે રે મને ગમે છે
ગમે ગમે રે મને ગમે છે.

- અંશ ખીમતવી


બાળગીત

પોમ પોમ પોમ
મારી ગાડી ચાલે રે ......
પોમ પોમ પોમ......

વાંકા ચૂકા રસ્તા આવે ,
ઝાડી આવે ,ટેકરા આવે
મોટા મોટા ડુંગરા આવે
મારી ગાડી ચાલે રે......
પોમ પોમ પોમ......

બજાર આવે ,ગામડા આવે
મોટા મોટા શહેરો આવે,
નાત જાતના લોકો આવે
જોવાની મને મજા પડે .

મારી ગાડી ચાલે રે...
પોમ પોમ પોમ ....

- અંશ ખીમતવી 















No comments:

Post a Comment