ચાહવાનું છોડી દીધું શું કરું ?
દાઝવાનું છોડી દીધું શું કરું ?
કોણ છું ' હું ' એ જાણી લીધા પછી,
જાણવાનું છોડી દીધું, શું કરું ?
એક વખત નિષ્ફળતા તે શું સાંપડી,
વાવવાનું છોડી દીધું ,શું કરું ?
સાંભળ્યું છે ,ગાજે ,વરસે ના કદી,
ગાજવાનું છોડી દીધું, શું કરું ?
જાણ્યું કે ,શાંતિ મળે છે ઘર મહીં
દોડવાનું છોડી દીધું ,શું કરું !
- અંશ ખીમતવી..
રાત કેવી જાય છે કોને ખબર ?
આંસુઓ વેરાય છે કોને ખબર?
મોત મારુ સાવ નિકટ બેઠું છે ,
જીવડો હરખાય છે કોને ખબર?
રોટલો આજે ય ખાવાને નથી ,
કેમ રે જીવાય છે કોને ખબર ?
રોજ તારે કાજ લખતો હું ગઝલ ,
શું હોઠે વંચાય છે કોને ખબર ?
આગ લાગી છે હદયમાં પ્યાસની,
ધડકનો સૂકાય છે કોને ખબર ?
- અંશ ખીમતવી
No comments:
Post a Comment