સમયનો પલટવાર..
જે વ્યક્તિને તમે આજ પુરી લાગણીથી ચાહતા હો એને તમે તમારા ઘરના સભ્ય હોય એવો તમે પ્રેમ આપતા હો પણ જ્યારે સમય પલટાય છે ત્યારે એજ સૌથી મોટો દુશ્મન બની જતો હોય છે. મને એવું લાગે છે એની પાછળ એના વિચારો જ જવાબદાર હોય શકે છે. કારણ કે વ્યક્તિ એ જ છે જે ગઈ કાલે તમારા ખભા પર હાથ રાખી ચાલતો હતો. પણ આજ અચાનક એ જ વ્યકિત આડું જોઈને ચાલવા લાગે છે. ફલિત તો એ જ થાય કે તમારો દુશ્મન માત્ર એ ના વિચારો જ છે. પણ તોય સમય સમયનું કામ કર્યા રાખે છે.
મને એવું લાગે કે એ વ્યક્તિ પર વિચારોનું ઘર કરી જાય છે જે એની સાથે યોગ્ય ન બન્યું હોય એવી ઘટનાઓનું ! પણ એક તો વાત સાચી કે વાણી ના ઘા ક્યારેય રૂઝાતા નથી. આપણને શરીરે કોઈ ઘા લાગ્યો હોય તો એ સમય સથવારે મટી જાય છે પણ વાણી ના ઘા દિન પ્રતિદિન તાજા થતા હોય છે. એટલે મુખ્યત્વે સંબધો વાણી પર રહેલા છે. એટલે જ કહેવાયું છે કે પાણી અને વાણી વિચારીને વાપરો.
એક ઉદાહરણ જોઈએ કે બે જીગર જાન મિત્રો હતા અચાનક એમની વચ્ચે તિરાડ પડી. તો એમાંના ઘણા મિત્રો એની મોજ લેતા હોય છે કે હવે બરાબર જામ્યું છે હજી વધારે જામે તો મજા આવે. અને એ જ વ્યક્તિ જ્યારે આપણને મળે ત્યારે સામેની વ્યક્તિની વિરુદ્ધ વાતો કરતો હોય પણ એ જ્યારે સામેની વ્યક્તિને મળે ત્યારે એની વિરુદ્ધ વાતો કરતો હોય. કેવા કેવા માણસો છે નહીં આ દુનિયામાં ! હું તો આવા વ્યકિતને ડબલ ઢોલકી કહું છું.જે બન્ને બાજુ વગાડતા હોય છે. અને મજા લેતા હોય છે. આજના સમયને જોતા એવું લાગે છે કે જે કર્મ કરો સારું કે નરસું એ આજ જન્મમાં તમારે ભોગવવું પડતું હોય છે. એક હાથે કર્મ કરો અને બીજા હાથે તમને ફળ પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે તમે કોઈ વ્યક્તિને લાફો મારી દો તો એજ ઘડીએ તમને ફળની પ્રાપ્તી થાય છે.
ઘણી વાર એવું લાગતું હોય છે કે એને મારા વગર ઉણપ પડશે . મારા વગર એને નહિ ચાલવાનું પણ મિત્રો એવું કંઈ હોતું નથી. તું નથી તારો ભાઈ સમય સમયના કામ થઈ જતા હોય છે. અંતે એક વિચાર કરી જ લેવો કોઈને કટુ બોલતા પહેલા નહિ તો પછી એની હાય બહુ ભયાનક હોય છે. અને હા સમય બસ વહ્યા કરે છે કોઈની રાહ જોયા વગર નિરંતર.
અંશ ખીમતવી
No comments:
Post a Comment